29 March 2024
21 December 2023
: પપ્પા :
આ "પપ્પા" એટલે..?...
"""""""""""""""""""""""""""""""
"પપ્પા" એટલે ખાલી એક "નામ" ?
"પપ્પા" એટલે ખાલી એક "દેખાવ" જ ?
"પપ્પા" એટલે ખાલી એક "પદ" ..?
"પપ્પા" એટલે.. ખાલી બાયોડેટા માં નામની પાછળ લાગતું "અસ્તિત્વ"...?
"ના" …..
"પપ્પા" એટલે "પરમેશ્વર" ના પુરાણો કરતાં પણ વધુ "પ્રેક્ટિકલ પ્રેરણાદાયી પુસ્તક"..
આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણામાંથી ઘણાખરા લોકો,
"પુરાણો" - "ગ્રંથો", વાંચવાની અને સમજવાની વાતો કરીએ છીએ,
પણ.. ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી નથી શકતા...
આ "પપ્પા" નામની પ્રોફાઇલ ને "ક્રેડિટ" સાથે બહુ લેવાદેવા નહી..
"મા" ને "ઈશ્વર" માની લેનાર સમાજ પણ પપ્પાને "પપ્પા" જ સમજે..
કારણ કે આ પપ્પાએ કોઇ દિવસ પોતાને કે પોતાની જાતને "ઇશ્વર" ની કેટેગરી માટે "નોમીનેટ" કર્યો જ નથી.
"ખબરદાર"... જો આમ કર્યુ છે તો...
આવવા દે તારા પપ્પાને..
બધ્ધું જ કહી દઇશ.
આવા વાક્યો દરેક "મા" એ કયારેક ને કયારેક તો પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે....
અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માટે કમાતો "બાપ" બાળકનો અજાણ્યો દુશ્મન બની જાય છે. અને અજાણતાં જ સંતાનો સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે.
ઘણા કિસ્સાઓમાં તો બાપની જ્યારે ખરી કિંમત સમજાય છે, ત્યાં સુધીમાં "બાપ" ખીલી પર નો ટીંગાળેલ ફોટો બની ગયો હોય છે.
બાકી "પપ્પા" તો એવા પરમેશ્વર છે , જેને પામવા "વ્રત", "ઉપવાસ" કે અઘરા "શ્લોક" ના ગાન કરવા નથી પડતા...
પણ આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ જીવતો "દેવ" હાજરા હજૂર જ હોય છે.
ડૉ. નિમિત્ત ઓઝાએ લખેલ એક સરસ વાત યાદ આવે છે કે... ઘરની બહાર નીકળતા ખાડો આવે ને પડી જવાય તો "ઓ મા.." બોલાય છે,
પણ રસ્તો ક્રોસ કરતાં અજાણતાં જ ટ્રક છેક પાસે આવી જાય , ત્યારે તો મ્હોં માંથી "ઓ બાપ રે.." જ સરી પડે છે... જે એ વાતની સાબિતી છે, કે નાની નાની તકલીફો માં "મા" યાદ આવે ... પણ જીવનની અઘરી અને મોટી તકલીફોમાં તો "બાપ" જ યાદ આવે છે...
"પપ્પા" નામના પરમ મિત્રને ઓળખવાની કળા મોટા ભાગે યુવાનીમાં કેળવાતી જ નથી. બાકી એ વાત પણ ખરી કે આ ઉંમરમાં પપ્પા ભણાવા કરતા ગણાવે છે વધુ...
કોઇ "બાપ" પાર્ટ ટાઇમ નોકરી કરતો હશે, પણ "પિતૃત્વ" તો ફુલ ટાઇમ જ કરતો હશે.. કારણકે ખેતરમાં હળ ચલાવતો કે પછી ઓફિસમાં ઓવર ટાઇમ કરતો "બાપ" આખરે તો દિકરા કે દિકરીને સઘળી સવલતો આપવા જ સજ્જ થતો હોય છે....
આપણી યુવાનીમાં કરેલી ભૂલોથી ટાયર્ડ થઇ જતો બાપ ચીડાઇ ને પણ પિતૃત્વથી રીટાયર્ડ નથી થઇ જતો.. એને પળે પળ વિશે આપણને કશુંક શીખવાડવું છે, કારણકે એણે જીવનમાં જયાં જયાં પીછે હટ ભરી છે ત્યાં ત્યાં આપણે ન ભરી દઇએ...
બુદ્ધિનું "બજેટ" ખોરવ્યા વિના આપણી બાહોશતા અકબંધ રહે તેવા પ્રયત્નો એ સતત કરતો રહે છે... આ કારણોસર એ મોટા ભાગે કડક વલણ અપનાવે છે. અને એટલેજ એની છપ્પનની છાતીમાં રહેલું લીસ્સુ માખણ આપણને મોટાભાગે ઓળખાતું નથી...
આ "પપ્પા" એટલે રાત્રે ૯ વાગે ટીવી બંધ કરીને જબરજસ્તીથી ભણવા બેસવાનો ઓર્ડર નહી પણ ભણતરની કિંમત સમજાવતું એક "સુવાક્ય" જ છે.
આ "પપ્પા" એટલે રાત્રે જયાં સુધી ઘરે ન આવે ત્યાં સુધી સતત ચાલતો હિંચકાનો કિચુડ કિચુડ અવાજ ....
આ "પપ્પા" એટલે મમ્મી કરતાં પણ વધુ વ્હાલની ઉપર પહેરેલૂં કડકાઇનું મ્હોરુ...
આ "પપ્પા" એટલે એકવાર ખાઇ લીધા પછી મમ્મીથી સંતાડીને બીજી વાર અપાતી ચોકલેટ...
આ "પપ્પા" એટલે એવી પર્સનાલીટી જે ફેશન ન કરતી હોવા છતાં ય આપણી સ્ટાઇલ આઇકોન બની જાય....
આ "પપ્પા" એટલે આપણને કદિયે પડી ન જવા દે, એતો સાઇકલની સીટની પાછળથી પકડેલો મજબુત હાથ...
આખરે "પપ્પા" ઍટલે "પપ્પા"… બસ આમ જુવો તો કશું જ નહી, અને આમ જુવો તો બધ્ધું જ...
હજીયે સમય છે... જો "પપ્પા" નામનું લાગણી નું સરનામું જીવંત ઘરમાં પોતાની મીઠાશ ફેલાવતું હોય તો આ લેખ પુરો કરીને ઍમને જઇને એક વાર કોઇજ કારણ વગર ભેટી પડજો....
એ "પપ્પા" નામના પુસ્તકમાં એવું સરસ મઝાનું પાનું જોડાશે જે જીવનભર વાંચવું ગમશે...
🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏